//SGCCI Election કાપડ- હિરા ઉદ્યોગની જૂગલબંધીથી આશિષ ગુજરાતીની જીત આસાનઃ મિતીશ મોદીનો નકારાત્મક ચૂંટણી પ્રચાર ‘બુમરેંગ’

SGCCI Election કાપડ- હિરા ઉદ્યોગની જૂગલબંધીથી આશિષ ગુજરાતીની જીત આસાનઃ મિતીશ મોદીનો નકારાત્મક ચૂંટણી પ્રચાર ‘બુમરેંગ’

Share

 2,449 total views,  2 views today


(ફીચર લેખઃ અમરિષ ભટ્ટ) સુરત,
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાઈસ પ્રેસીડેન્ટ પદની ચૂંટણી ઐતિહાસિક પરિણામ સાથે પતી ગઈ છે. ગયા વર્ષે હાર્યા છતાં ‘હાર્યા જાુગારી બમણું રમે’ એ કહેવત સાર્થક કરવા ફરીથી ચૂંટણીનાં ઘોડે ચઢેલાં અને બહુ ગાજેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉમેદવાર મિતીશ મોદી ફરી એકવખત હાર્યા છે. તેમની સામે સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગનું અભૂતપૂર્વ લેખિત સમર્થન મેળવીને ચૂંટણીમાં ઝંપલાવનાર આશિષ ગુજરાતી છેવટે મેદાન મારી ગયાં. મિતીશ મોદીનો ચૂંટણી પ્રચાર સાવ નકારાત્મક રહયો હતો. જે ‘બુમરેંગ’ સાબિત થયો અને ઉંધા મ્હોંભેર પછડાટ ખાવી પડી છે. ‘દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ચેમ્બરમાં મિતીશ મોદી’નું સુત્ર તથા ચૂંટણી ગ્રાઉન્ડ પર કાર્યકરોને ‘કેસરી ટોપી’ પહેરાવી મતો અંકે કરવાની કોશિશ સાવ નાકામ રહી છે. મિતીશ મોદી પોતાની કાબિલીયત પર ઉદ્યોગ-ધંધા પાસે મત માંગવાનાં બદલે આશિષ ગુજરાતીને નીચા અને ભ્રષ્ટ સાબિત કરવા શેખચલ્લીનાં સપનાં જોતાં ઉંધા રવાડે ચઢી ગયાં હતાં. આવી નકારાત્મકતાનું પરિણામ એ આવ્યું કે લાંબા સમયથી ઉંઘમાં પડી રહેલો વિરાટ અજગર સમાન કાપડ ઉઘોગ પોતાની ઉપર આક્રમણ થયું છે એમ જાણીને આળસ મરડી ફેણ માંડીને બેઠો થઈ આશિષ ગુજરાતી ઉપર ઓવારી જઈ મિતીશ મોદીનાં બાર વગાડી ડાંડીયા ગૂલ કરી દીધાં અને એમણે ૬૭૭ મતોથી ભૂંડી હાર વેઠવી પડી છે.
મિતીશ મોદી ચેમ્બરનાં વર્તુળોમાં વહેતાં પવનને પારખવામાં થાપ ખાઈ ગયાં છે. વર્ષોનાં અનુભવી પરિપક્વ અને પ્રતિષ્ઠિત એવાં ચેમ્બરનાં પૂર્વ પ્રમુખોની સામે બાંયો ચઢાવી સુપ્રિમસી સ્થાપવા ઉત્સુક અને યંગટર્ક લીડરશીપનાં નામે કીંગમેકર બનાવનારા નેતાઓની વાતોમાં મિતીશ મોદી ‘બલીનો બકરો’ બની ગયાં છે. આ નેતાઓ પડદા પાછળજ રહયાં હતાં. જેની સામે ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ, ભરત ગાંધી, દિલીપ ચશ્માલાવા, અરવિંદ કાપડિયા, અજય ભટ્ટાચાર્ય તથા અનેક પૂર્વપ્રમુખો ખુલ્લેઆમ આશિષ ગુજરાતીનાં સમર્થનમાં હતાં જેમને કશું છુપાવવાનું ન હતું, આની સમગ્ર ઉઘોગજગતમાં ભારે નોંધ લેવાઈ હતી. પરંતુ, ચેમ્બરની ચૂંટણીમાં મોટાભાગનાં મતદારો કોઈ ઉમેદવારને નારાજ કરવા ઈચ્છતા ન હતાં આથી પોતાનો નિર્ણય જાહેર કરતાં ન હતાં, પરંતુ મતપેટીઓમાંથી સત્ય બહાર આવશેજ એવી અપેક્ષા અનુભવીઓને હતીજ એનું એમજ બન્યું છે.
આશિષ ગુજરાતીને ચેમ્બરનાં ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં જીત અપાવવામાં સૌથી મોટો ફાળો તેમની સ્વયંની પ્રતિભા, ઉંડી જાણકારી અને વર્ષોનાં અનુભવનો છે. તેઓ સ્વયં ઈજનેર છે અને સુરતનાં કાપડ ઉદ્યોગમાં એક પ્રગતિશીલ વણકર તરીકે વર્ષોથી સંકળાયેલા છે. સુરતનાં ટેક્સટાઈલ ઉદ્યોગની વ્યાજબી માંગણીઓ માટે આકાશપાતાળ એક કરનાર અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆતો માટે સતત મંડયા રહેતાં આશિષ ગુજરાતી કાપડ ઉદ્યોગનાં સર્વસંમત ઉમેદવાર હતાં અને તેનાં લીધેજ શહેરનાં ૨૦ જેટલાં ટેક્સટાઈલ એસોસીએશનોએ તેમને લેખિતમાં સમર્થન આપ્યું હતું. આ નાનીસુની ઘટના ના કહેવાય. છેલ્લાં ઘણાં વર્ષોથી ચેમ્બરનાં પ્રમુખ ઉપપ્રમુખ પદે કાપડ ઉઘોગની વ્યક્તિ બેઠી ન હતી અને પ્રવર્તમાન સ્થિતિમાં સ્થાનિક કાપડ ઉદ્યોગને મુશ્કેલીમાંથી બહાર લાવવા સૌને ચેમ્બર અને સરકાર તરફથી ખૂબજ મોટી આશા છે, આ કારણે આશિષ ગુજરાતીનું ચૂંટાવું અનિવાર્ય અને મિનમેખ બન્યું હતું. અંતે આમજ બન્યું છે. આ ચૂંટણીનાં અંતે પૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ વધુ એકવખત “ચૂંટણી ચાણક્ય’ સાબિત થયાં છે તેમની સાથે ભરતભાઈ ગાંધીની જુગલબંધીએ જબરજસ્ત ધાક જમાવી દીધી છે. હવે આ અનુભવીઓએ પોતાની ટીમ પાસે શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવાવનું છે જેનાં લીધે આવનાર સમય તેમને ઓળખશે.
ટેક્સટાઈલ ઉદ્યોગનાં પ્રાણપ્રશ્નોનાં ઉંડા અભ્યાસુ અને તેનાં વિકાસ માટે સતત ઝઝૂમતાં નિષ્ઠાવાન આગેવાન આશિષ ગુજરાતીને ચૂંટણીમાં હરાવવા માટે તેમનાં વિરૂધ્ધ ઝેરી પ્રચાર થતાં સમગ્ર ઉઘોગ એકજૂટ બની ગયો હતો. સૌનું કહેવું હતું કે ચૂંટણી પ્રચારમાં પ્રતિસ્પર્ધી માટે દુષ્પ્રચારનાં આવાં ગતકડાં અયોગ્ય હતાં અને આવી વર્તણૂંક ચેમ્બરનાં ઉચ્ચઆસને બેસવા ઈચ્છુક ઉમેદવાર પાસેથી અપેક્ષિત ન હતી. પાંડેસરાનાં યાર્નબેંકનાં જુના જોગીઓ તેમજ કેટલાંક પ્રોસેસીંગ ક્ષેત્રનાં આગેવાનોને આશિષ ગુજરાતીની ઉમેદવારી પસંદ ન હતી અને તેમનાં તરફથી નાનાં મોટાં ઉંબાડીયા થયાં પણ ખરા. અખબારોમાં તેને ચમકાવાયા પણ ખરા. પરંતુ આની કશી અસરો મતદાન ઉપર ના પડી. આજ કારણો આશિષ ગુજરાતીને જંગી જીત ભણી દોરી ગયાં.
અગાઉ ચેમ્બરની મેનેજિંગ કમિટીની અનેક મિટીંગોમાં પ્રમુખ કેતનભાઈ દેસાઈ દ્વારા “સાર’ અને “ટ્રસ્ટ’નાં હોદ્દેદારો સામે ઉગ્ર આક્ષેપો સતત થતાં પરંતુ મામલો શાંત થવાનાં બદલે કોર્ટ-કચેરી, ચેરીટી કમિશ્નરની કોર્ટ, બેંક એકાઉન્ટ સ્થગિત કરાવવા, વહીવટદારની માંગ અને પોલીસ ફરિયાદ સુધી પહોંચતા અંદર અસંતોષનાં લાવા ધૂંધવાતો હતો. એક સમયે અમુક લોકો ચેમ્બરની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે અને વહીવટમાં અસ્થિરતા પેદા કરે છે અને સતત કાગળ અને પત્રવ્યવહારો કરીને પરેશાન કરે છે એવાં આરોપો કરી અમુક વ્યક્તિને ચેમ્બરનાં સભ્યપદેથી દુર પણ કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક અંગત લાભ માટે ઉપદ્રવી લોકોનો સગવડીયો સાથ લઈને વ્યક્તિગત હિસાબ ચૂકતે કરવાની કોશિશો ચેમ્બરનાં હીતેચ્છુઓનાં ધ્યાનમાં આવતાં અંદર એકજાતનો રોષ ભભૂકવા લાગ્યો હતો. ચેમ્બર એ સુજ્ઞ મહાજનો, ઉદ્યોગપતિઓ અને ધંધાર્થીની બનેલી સાડાસાત દાયકા જૂની પ્રતિષ્ઠિત સંસ્થા છે. અહીં ચર્ચા, વિચાર-વિમર્શ અને વ્યવહારૂતાથીજ દરેક સમસ્યાઓનું હલ શોધાવું જોઈએ. આ બધાંની અંદર એકવાત સર્વોપરી છે અને તે છે, “ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું હિત અને તેની મૂલ્યવાન પ્રતિષ્ઠા’, તેની સાથે કોઈ બાંધછોડ ના સાંખી લેવાય. કેટલાંક લોકો આ સુત્ર ઈરાદાસર વિસરી ગયાં હતાં, તેમને આ ચૂંટણીથી જવાબ મળી ગયો છે. આમછતાં, ગઈકાલ સુધીની ચૂંટણી પ્રચારની વાતોને હવે પાછળ મુકીને ફરીથી એકજૂટ બનીને સુરતનાં ઉદ્યોગ-ધંધા-વેપાર-વણજનાં લાભાર્થે સૌએ કાર્યરત થવું જોઈએ એ સમયની માંગ છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની પ્રથમ પ્રમુખપદ પછી મેનેજિંગ કમિટી અને છેલ્લે ઉપપ્રમુખ પદની ચૂંટણીનાં કારણે શહેરમાં ઘણાં સમયથી વાતાવરણમાં ખાસ્સી ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. હવે આ ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે. નવા સુત્રધારો આગામી તા. ૭ ઓક્ટોબરે શપથ લઈ કામકાજની વિધીવત શરૂઆત કરશે. પરંતુ હાલની ચૂંટણીઓથી એકવાત સાબિત એ થઈ છે કે આજેપણ ચેમ્બર અને તેનાં સૌ સૈનિકોને લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ છે અને તેનાં કામકાજ માટે સક્ષમ વ્યક્તિઓને પસંદ કરવાની ભરપૂર ક્ષમતા છે. અસ્તુ.