//લોકડાઉન ખુલ્યા બાદ ગ્લોબલી કાપડની મોટી ડિમાન્ડ ઉભી થશે. જેને પૂર્ણ કરવા ભારત પાસે મોટી તક – મોહિત ભાસીન (SGCCI વેબીનાર)

લોકડાઉન ખુલ્યા બાદ ગ્લોબલી કાપડની મોટી ડિમાન્ડ ઉભી થશે. જેને પૂર્ણ કરવા ભારત પાસે મોટી તક – મોહિત ભાસીન (SGCCI વેબીનાર)

Share

 2,305 total views,  2 views today

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘કોવિડ– ૧૯ ઇન્ડિયા રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ એન્ડ મિટીગેશન સ્ટ્રેટેજી ફોર ઇન્ડિયન ટેક્ષ્ટાઇલ એન્ડ એપેરલ સેકટર’વિષય ઉપર વિડિયો કોન્ફરન્સ (વેબીનાર)નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેપીએમજીના ગુજરાત રિજનના ઓએમપી રાજન વસા, કેપીએમજીના જીઆરસીએસ પાર્ટનર રાહુલ રેખી, કેપીએમજીના આઇજીએચ ઇડીએ પાર્ટનર મોહિત ભાસિન અને શ્રી ગૌતમ જૈન દ્વારા કોવિડ ૧૯ – ઇન્ડિયા રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ કન્સીડરેશન્સ એડ્રેસિંગ ધી ગ્લોબલ પેન્ડેમિક, આરસી સર્વિસિસ ફોર કોવિડ પેન્ડેમિક અને મિટીગેશન સ્ટ્રેટેજી ફોર ઇન્ડિયન ટેક્ષ્ટાઇલ એન્ડ એપેરલ સેકટર વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. કોરોનાને કારણે ખાસ કરીને સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે વૈશ્વિક તબકકે ઉભી થયેલી તકો અંગે ઉદ્યોગકારોને માહિતગાર કર્યા હતા. કેપીએમજીના સુશ્રી સોનલ વાઘેલાએ કોવિડમાં ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરાયેલી માર્ગદર્શિકા અંગે સમજણ આપી હતી.

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, ચેમ્બર દ્વારા સભ્યોને અને ઉદ્યોગકારોને જાણકારી આપવા માટે વિવિધ વિષયો ઉપર વેબીનારોનું આયોજન કરવામાં આવી રહયું છે. કોરોનાને કારણે ઇન્ડસ્ટ્રી માટે લોકડાઉન, લીકવીડિટી અને લેબર જટીલ સમસ્યા બની છે. ટેક્ષ્ટાઇલ ઇકોનોમી અને એપેરલ સેકટર પણ અસરગ્રસ્ત થયું છે ત્યારે આજના વેબીનારમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તજજ્ઞો દ્વારા એમએસએમઇ માટે ભવિષ્યના પ્લાનીંગ માટે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન મળી રહેશે. તેમણે ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારોને રિવાઇઝ્‌ડ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે પોતાના સૂચનો આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.

રાહુલ રેખીએ જણાવ્યુ હતુ કે, કોરોનાને કારણે લોકડાઉનમાં ઇન્ડસ્ટ્રી ખૂબ જ જટીલ સમસ્યાઓનો સામનો કરી રહી છે પરંતુ આપણે આ સમસ્યામાંથી બહાર નીકળી શકીશું. ખાસ કરીને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સામે જે રિસ્ક અને સમસ્યાઓ છે તે અલગ પ્રકારની છે. અત્યારે બિઝનેસ કન્ટીન્યુટીની સમસ્યા સામે આવી રહી છે. વિશ્વભરમાં હાલ સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઇ ગઇ છે, પરંતુ મને ભારતના ઉદ્યોગકારો માટે સારામાં સારી તક દેખાઇ રહી છે. મેક ઇન ઇન્ડિયાને પણ સાર્થક કરવા માટે આ દિશામાં આગળ વધી શકાય તેમ છે. ચાઇનામાંથી જે કંપનીઓ ખસેડાશે તે કંપનીઓ ખાસ કરીને ગુજરાતમાં આવશે તો સ્થાનિક ઉત્પાદકોને પણ ઘણો ફાયદો ફાયદો થઇ શકશે. હાલમાં માર્કેટમાં માંગણીઓ ઘટી જશે. છ મહિના કે એક વર્ષ માટે આવી સ્થિતિ પેદા થશે પરંતુ ત્યારબાદ માંગણીઓ વધતાની સાથે જ સ્થિતિ સામાન્ય થઇ જશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ઉદ્યોગકારોએ ડેટા, સિકયુરિટી અને ગવર્નન્સ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. સેમ્પલ કે પ્રોડકટની સિકયુરિટી અંગે વિચારવુ પડશે. અત્યાર સુધી જે કરતા હતા તે જ હવે કરવાનુ નથી. નવું શું કરી શકાય છે તે દિશામાં વિચારવુ પડશે. ડેટાને આધારે સારા પ્રોડકટનો ફાયદો કઇ રીતે લઇ શકાય તે માટે વિચારવુ પડશે. એક્ષ્પોર્ટના રેટ વધી રહયાં છે ત્યારે નિર્યાતકર્તાઓને ખૂબ જ ફાયદો થઇ શકે તેમ છે. વર્તમાન પરિસ્થિતિમાં એક્ષ્પોર્ટ ઘટી ગયો છે પણ નોર્થ ઇન્ડિયામાં નિર્યાતકર્તાઓને ઇન્કવાયરી મળવાની શરૂઆત થઇ ગઇ છે. કોન્ટ્રાકચ્યુઅલ કમીટમેન્ટમાં બધા જ કોન્ટ્રાકટ હવે પુરા થઇ શકે તેમ ન હોવાથી તેના માટે વિચારવુ પડશે. વર્કર હેલ્થ સેફટી વિશે વિચારવુ પડશે. ઇન્ટરનલ કન્ટ્રોલથી એન્વયારમેન્ટને સારુ બનાવી રાખવુ પડશે.

હેલ્થ, સેફટી અને હાઇજીન અંગે તેમણે જણાવ્યુ હતુ કે, કોરોના એક વ્યકિતથી બીજા વ્યકિતમાં ફેલાય છે એટલા માટે કર્મચારીઓમાં અવેરનેસ લાવવી પડશે. ઓફિસ માટે, ફેકટરી માટે અને દુકાનો માટે જુદી–જુદી હાઇજીનની વ્યવસ્થા ગોઠવવી પડશે. ગવર્નન્સ, રિપોર્ટીંગ અને વેસ્ટ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી બની જશે. ગવર્નન્સ એન્ડ સ્ટ્રેચ્યુટરી કોમ્પ્લાયન્સ અને રિસ્ક મેનેજમેન્ટના પ્રોસેસ વિશે તેમણે સમજણ આપી હતી. સોશિયલ ડિસ્ટન્સીંગ, લીફટમાં સર્કલનો પ્રયોગ, ફેસ માસ્ક, શીફટ એટેન્ડન્સ તેમજ શંકાસ્પદ વ્યકિતને પ્રિમાઇસિસમાંથી કઇ રીતે અલગ રાખી શકાય વિગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ટ્રાવેલ રિલેટેડ પોલિસી ઉપર ધ્યાન આપવાની જરૂર રહેશે. પ્રોજેકટ મેનેજમેન્ટ ઓફિસ બનાવીને કામ કરવુ પડશે.

લોકડાઉનમાં સૌથી વધારે ટેક્ષ્ટાઇલ સેકટર જ મુશ્કેલીમાં મુકાયું છે. એવામાં પીપીઇ કીટનું ઉત્પાદન કરી રહેલા ટેક્ષ્ટાઇલ, ફાર્માસ્યુટીકલ અને હેલ્થ કેર સેકટરે બધાને બચાવી રાખ્યા છે. યુએસ, યુરોપિયન યુનિયન અને જાપાનમાં ભારતનો માલ એક્ષ્પોર્ટ થાય છે. ટેક્ષ્ટાઇલમાં ચાઇના એન્ડ પ્રોડકટ ઉપર વધારે ફોકસ કરતુ હોવાથી તે ભારતથી આગળ નીકળી ગયુ છે. હાલમાં બોર્ડર લોક છે અને તેને કારણે ઓર્ડર કેન્સલ થઇ રહયા છે ત્યારે આખા માલને ભારતમાં જ વેચવો પડશે. યુએસ, જર્મની અને જાપાને જો માલ લેવાનો ઇન્કાર કર્યો તો આપણને થોડી મુશ્કેલી થઇ શકે છે. પરંતુ ચાઇના, બાંગ્લાદેશ અને વિયેતનામની તુલનામાં આપણને ઘણી ઓછી અસર થશે. લોકડાઉન ખુલ્યા બાદ ગ્લોબલી ખૂબ જ મોટી ડિમાન્ડ ઉભી થશે. જેને પૂર્ણ કરવા માટે ભારત પાસે ખૂબ જ મોટી તક રહેશે. આથી વૈશ્વિક માર્કેટમાં ટેક્ષ્ટાઇલમાં પાંચ ટકા એક્ષ્પોર્ટને વધારવા માટેની તૈયારી રાખવી પડશેમોહિત ભાસીન

ગુજરાતથી ખૂબ જ મોટી માત્રામાં યાર્ન બાંગ્લાદેશ જાય છે. એન્ડ પ્રોડકટની ડિમાન્ડ ૭૦ ટકા હશે તો રો મટિરિયલની પણ ડિમાન્ડ એટલી જ માત્રામાં ઉભી થશે. વેલ્યુ એડીશન શું આપી શકશો તેના માટે વિચારવુ પડશે. ચાઇના ખૂબ જ અસરગ્રસ્ત થયું છે ત્યારે મોટાભાગના બ્રાન્ડ વિકલ્પો શોધી રહયા છે. સુરત અને અમદાવાદના ઉદ્યોગકારો ઇન્ટરનેશનલ માર્કેટની ડિમાન્ડવાળી પ્રોડકટ બનાવવા તરફ ધ્યાન આપે તો ખૂબ જ મોટી તક ઉભી થાય છે. તેમણે ઇન્ડિયન ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનની સમજણ આપતા જણાવ્યુ હતુ કે, હાયર વેલ્યુ ચેઇનમાં લો અને મિડિયમથી ઉપર ઉઠવા માટે ઉદ્યોગકારોએ વિચારવુ પડશે. ૩ હજાર કરોડના કોટનને ભારતમાં જ ગ્રો કરી શકાય છે. કોવિડના સમયને એક ઉભી થયેલી તકની દૃષ્ટિએ જોવી પડશે. મેન મેઇડ ફાયબરમાં સુરત ખૂબ જ મજબુત છે ત્યારે ડોમેસ્ટીક માર્કેટ કોન્ટ્રેકશન અને એક્ષ્પોર્ટ માટે ખૂબ જ સારો સમય છે. ગૌતમ જૈન

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી નવ – બાર મહિના સુધી માર્કેટ ગ્રો નહીં કરશે. આથી આ સમયગાળા દરમિયાન માર્કેટને ઉત્તમ કવોલિટીવાળી પ્રોડકટ આપવા માટે વિચારવુ પડશે. આથી હવે ઉત્તમ કવોલિટી અને ઇનોવેશન ઉપર ફોકસ કરવાની જરૂર છે. સરકારે એન્ટી ડમ્પીંગ ડયુટી પણ હટાવી દીધી છે ત્યારે ચાઇના અને કોરિયાથી હાઇ ફાયબર રો મટીરિયલ ઇમ્પોર્ટ કરી શકાય છે અને તેના ઉપયોગથી કવોલિટી પ્રોડકટ બનાવી શકાશે. ઇ– કોમર્સ થકી જે બિઝનેસ થઇ રહયો છે તેને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટીક માર્કેટ તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. નિર્યાતકર્તાઓએ ૬૦ ટકા એક્ષ્પોર્ટ ઉપર અને ૪૦ ટકા ડોમેસ્ટીક માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. ક્રોસ બોર્ડર ઇ–કોમર્સને ઓપન કરવા માટે સરકાર વિચારી રહી છે. અત્યારે તિરુપુરની જેમ ગારમેન્ટ સુરતમાં બનતુ નથી. આથી સ્કીલ્ડ વર્ક ફોર્સની મદદથી સારામાં સારુ ગારમેન્ટ બનાવવુ પડશે. તેમણે ભારતમાં ઇમ્પોર્ટ કરાતી ટોપ ૧પ ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સ પ્રોડકટ્‌સ વિશે પણ માહિતી આપી હતી.

જૈને વધુમાં કહયુ હતું કે, ટેકનીકલ ટેક્ષ્ટાઇલમાં ખૂબ જ મોટો સ્કોપ રહેલો છે. ચાઇના અને વિયેતનામ વર્ષ દરમિયાન નવા દસ પ્રોડકટ બનાવે છે. એટલે ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ માટે ખૂબ જ મોટી તક છે. માસ્ક અને પીપીઇ એ પણ ટેકનીકલ ટેક્ષ્ટાઇલનો જ પાર્ટ છે. ગ્લોબલી માર્કેટ માટેના પીપીઇ બનાવવા માટે કયા પ્રકારના ફયુઝનનો ઉપયોગ કરવો પડશે તેના તરફ ફોકસ કરવો પડશે. મેડીટેકની ડિમાન્ડ વધવાની છે. મિટીગેશન સ્ટ્રેટેજીમાં ઘણા બદલાવ આવી રહયાં છે. મેડીટેકના કેસમાં મશીનરીઓનું માઇગ્રેશન થઇ શકે છે. એન્ડ ટુ એન્ડ વેલ્યુ ચેઇન ઉપર ફોકસ કરીને હાયર વેલ્યુ પ્રોડકટ બનાવવા માટે પ્રયાસ કરવો જોઇએ. વેલ્યુ એડેડ સિન્થેટીક તરફ ફોકસ કરવો જોઇએ. ઉદ્યોગકારો જો માર્કેટમાં પોતાને રિપોઝીશન નહીં કરશે તો મુશ્કેલી ઉભી થશે. આથી તેમણે મેડીટેક, ટેક્ષ્ટાઇલ્સ રો મટિરિયલ્સ, હાઇ–વેલ્યુ પ્રોડકટ્‌સ, ઇમ્પોર્ટ સબ્સ્ટીટયુશન અને ઇનોવેશન વિશે મહત્વની સમજણ આપી હતી.

સુશ્રી સોનલ વાઘેલાએ કોવિડમાં ઇન્ડસ્ટ્રી માટેની ગાઇડલાઇન અંગે જણાવ્યુ હતુ કે, કોરોના પોઝીટીવ કર્મચારી જેટલી જગ્યામાં બેસેલો હોય તેને સેનીટાઇઝ કરવાની જરૂર છે. એ જગ્યાને બે દિવસ માટે બંધ રાખવાની જરૂર છે એના માટે આખી ફેકટરીને બંધ કરવાની જરૂર નથી. તેમણે એમ્પ્લોઇ અને એમ્પ્લોયર વિશે ફેકટરી અંગે મહત્વની માહિતી આપી હતી.