//SGCCI દ્વારા ટફ તથા જીએસટી ક્રેડીટ રીફંડ પેન્ડીંગ સબસિડી સત્વરે રિલીઝ કરવા સ્મૃતિ ઇરાની સમક્ષ વેબીનારમાં રજૂઆત

SGCCI દ્વારા ટફ તથા જીએસટી ક્રેડીટ રીફંડ પેન્ડીંગ સબસિડી સત્વરે રિલીઝ કરવા સ્મૃતિ ઇરાની સમક્ષ વેબીનારમાં રજૂઆત

Share

 2,027 total views,  2 views today

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સ (વેબીનાર)નાં માધ્યમથી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેક્ષ્ટાઇલ્સ તથા વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટના માનનીય કેબિનેટ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની સાથે સાંપ્રત પરિસ્થિતિના પડકારો વિશે વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો માટે ટફ વિગેરેની સબસિડી, યાર્ન બેંક તેમજ બેન્કીંગ ક્રેડીટ ફેસિલિટી અંગે સાંસદો સાથે કો–ઓર્ડીનેટ કરીને આગળ વધવા તેમજ ચેમ્બરને ઇન્ડસ્ટ્રીના લેબર મુવમેન્ટ માટે કોન્સેપ્ટની રજૂઆતનું પેપર તૈયાર કરવાનું સૂચન કર્યુ હતુ.
ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ મંત્રીશ્રી સ્મૃતિબેન ઇરાની સમક્ષ ટેક્ષ્ટાઇલના તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી મુશ્કેલીઓ લોકડાઉન, લીકવીડિટી અને લેબરને લઇને છે. ભયમુક્‌ત વાતાવરણમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ચાલુ થાય અને જે વર્કરો વતન જતા રહયાં છે તેઓને પરત લાવવા માટે સરકારે વ્યવસ્થા ગોઠવવી જોઇએ. લેબરની સેલેરી માટે પણ ઉદ્યોગકારો અને કારખાનેદારો સક્ષમ નથી તેમાં સરકારે છુટછાટ આપવી જોઇએ. સરકારનો સપોર્ટ છે પણ ઉદ્યોગકારોને રાહત મળી નથી. ટફની તથા જીએસટી ક્રેડીટ રીફંડ પેન્ડીંગ સબસિડી વહેલી તકે રિલીઝ કરવામાં આવે.
તેમણે વધુમાં કહયુ હતુ કે, જીએસટી રીફંડના ઇશ્યુમાં સરકારે સુપ્રિમ કોર્ટમાં જે પીટીશન દાખલ કરી છે તેને પરત ખેંચીને વિવર્સ માટે તાત્કાલિક ધોરણે રીફંડ રિલીઝ કરવામાં આવે. સુરતમાં સફળ રીતે ચાલતી બે યાર્ન બેંકો છે, જેની રૂપિયા બે કરોડની લિમિટને વધારીને રૂપિયા રપ કરોડ સુધી કરવામાં આવે તો નાના વિવર્સને ખૂબ જ રાહત મળી રહેશે. બેન્કીંગ વ્યવહારો માટે ૩૧ માર્ચ ર૦ર૧ સુધી મોરેટોરિયમ વધારવામાં આવે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અનરજિસ્ટર્ડ લેબર ઘણો છે તો એના માટે સપોર્ટ કરવા માટે તેમજ ચાઇનામાંથી ઇન્ડસ્ટ્રીને દક્ષિણ ગુજરાતમાં સ્થાપી શકાય તે માટે પ્રયાસ કરવા તેમણે મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.

કાપડ મંત્રી સમક્ષ ચેમ્બરની રજૂઆતનાં મહત્વનાં મુદ્દાઃ

  • હાલમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી મુશ્કેલીઓ લોકડાઉન, લીકવીડિટી અને લેબરને લઇને છે. ભયમુક્‌ત વાતાવરણમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ચાલુ થાય અને જે વર્કરો વતન જતા રહયાં છે તેઓને પરત લાવવા માટે સરકારે વ્યવસ્થા ગોઠવવી
  • ટફની તથા જીએસટી ક્રેડીટ રીફંડ પેન્ડીંગ સબસિડી વહેલી તકે રિલીઝ કરવામાં આવે.
  • સુરતમાં સફળ રીતે ચાલતી બે યાર્ન બેંકો છે, જેની રૂપિયા બે કરોડની લિમિટને વધારીને રૂપિયા રપ કરોડ સુધી કરવામાં આવે
  • ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અનરજિસ્ટર્ડ લેબર ઘણો છે તો એના માટે સપોર્ટ કરવા માટે તેમજ ચાઇનામાંથી ઇન્ડસ્ટ્રીને દક્ષિણ ગુજરાતમાં સ્થાપી શકાય તે માટે પ્રયાસ કરવા
  • એકમ ધારકો વર્કરોને સેલરી આપી શકે તેવી નાણાંકીય સ્થિતિમાં નથી. આથી આ મામલે ઘટતુ કરવું


ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, એકમ ધારકો વર્કરોને સેલરી આપી શકે તેવી નાણાંકીય સ્થિતિમાં નથી. આથી આ મામલે ઘટતુ કરવા તેમણે મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી હેતલ મહેતાએ વર્લ્ડનો પોલિટીકલ સિનારીયો બદલાઇ રહયો છે ત્યારે કોવિડ બાદ ટેક્ષ્ટાઇલ માટે શું તકો રહેશે તેની માહિતી આપવા મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.
શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ જણાવ્યુ હતુ કે, જિલ્લાની મેડીકલ વ્યવસ્થા તપાસીને ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા માટે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ નિર્ણય લઇ શકે છે. આ અંગે સાંસદ સભ્યો શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશને ટેક્ષ્ટાઇલના યુનિટ શરૂ કરવા માટેની માહિતી આપવામાં આવશે તો કલેકટર સાથે ચર્ચા કરીને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરી શકાશે. તેમણે ચેમ્બરને ઇન્ડસ્ટ્રી માટે કોન્સેપ્ટ પેપર બનાવવાનું સૂચન કર્યુ હતુ. જેમાં લેબર કયા વતનમાં જાય છે અને કયારે પરત ફરશે તેમજ સ્થાનિક લેબર કેટલો છે તેની માહિતી ચેમ્બર એકત્રિત કરે. બેંકને લઇને એકમધારકોના જે કઇ પ્રશ્નો હશે તે અંગેની બ્રાન્ચ સાથેની માહિતી સાંસદોને આપવામાં આવે એવો આગ્રહ તેમણે રાખ્યો હતો. જેથી કરીને સંબંધિત બેંકના અધિકારીઓ સાથે વાત કરી પ્રશ્નોના નિરાકરણ માટે સાંસદ અને મંત્રાલયને સરળતા રહે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એમએસએમઇ એકમધારકો માટે રૂપિયા ૩ લાખ કરોડ સુધીની બેંક ગેરંટી ભારત સરકાર પોતે લઇ રહી છે. રૂપિયા ૯૦ હજાર કરોડનું ડિસ્કોમ પેકેજ જાહેર કર્યુ છે. જો કે, દરેક જાહેરાતને લોકલ ઇમ્પેકટની દૃષ્ટિથી પરીચર્ચામાં લાવવામાં આવે. લોકલ ઇકો સિસ્ટમમાં કોઇ વિષય રહી ગયો હોય તો તે અંગે સાંસદો સાથે ચર્ચા કરવી જોઇએ. ઉદ્યોગકારોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને આઇડેન્ટીફાય કરવાનુ સૂચન તેમણે કર્યુ હતુ. ટફની સબસિડી માટેના ઇન્સ્પેકશનમાં જેની ગેરરીતિ દેખાઇ હશે એવા ઉદ્યોગકારને સબસિડી નહીં મળશે તેવુ તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ. જેનું ઇન્સ્પેકશન પૂર્ણ થઇ ગયુ હોય અને તેમને સબસિડી મળી ન હોય એવા ઉદ્યોગકારોની યાદી મોકલવા માટે ચેમ્બરને સૂચન કર્યુ હતુ. જેથી કરીને મંત્રાલય તેઓને મદદ કરી શકે.
તેમણે અનરજિસ્ટર્ડ લેબર વિશે ચેમ્બરને બંને સાંસદોને સ્પેસિફીક રજૂઆત કરવાનુ સૂચન કર્યુ હતુ. જેથી કરીને તેઓ પોતે આ અંગે સ્પેસિફીક નિર્ણય કરી શકે. જીએસટી રીફંડ અને ટફ વિગેરેની સબસિડીનો વિષય નાણાંમંત્રી અને જીએસટી કાઉન્સીલ સુધી તેમણે પહોંચાડી દીધો છે. યાર્ન બેંકમાં સરળીકરણ જોઇએ છે તો શું મુશ્કેલી છે તેની માહિતી આપવા તેમણે ચેમ્બરને સૂચન કર્યુ હતુ. ઇમ્પોર્ટ–એક્ષપોર્ટની આઇટમ માટે કોમર્સ અને ફોરેન મિનિસ્ટર સાથે બધી વસ્તુઓને લઇને ચર્ચા કરી ચૂકયા છે. એક્ષ્પોર્ટની કેપેસિટી વધારવા માટે પણ નીતિ આયોગ અને કોમર્સ મિનિસ્ટ્રી સાથે ચર્ચા કરી ચૂકયા છે. ચેમ્બરની અગાઉની રજૂઆતને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા પીટીએ ઉપર એન્ટી ડમ્પીંગ વિશે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તેમ તેમણે જણાવ્યુ હતુ.
તેમણે ઉદ્યોગકારોને આગ્રહ કરતા જણાવ્યુ હતુ કે, એમએસએમઇ માટે ડાઇવર્સીફાઇડ ઓપોર્ચ્યુનીટી મળવાની આશા મને દેખાઇ રહી છે. ટીશર્ટની સાથે મેચીંગ ફેસકવરનો ફેશન ટ્રેન્ડ શરૂ થયો છે. આ દિશામાં ઇકો સિસ્ટમ જનરેટ કરવા માટે અભ્યાસ કરવો જોઇએ. પોલીસ્ટર બેઇઝ્‌ડ ટેસ્ટીંગ સ્ક્‌વેબ લોકલ મેન્યુફેકચર્સ બનાવી રહયાં છે. વિશ્વભરમાં ટેસ્ટીંગ સ્કવેબની માંગ વધશે તો એમએસએમઇ માટે મોટી તકો ઉભી થશે. એના માટે પૂણેની નેશનલ ઇન્સ્ટીટયુશન વાઇરોલોજી તરફથી સાયન્ટીફિકલી સ્પેસિફિકેશનની મંજૂરી પણ મળી ગઇ છે. તેમણે કહયુ હતુ કે, ચાઇનાથી ૧૭ રૂપિયામાં ખરીદવામાં આવતા ટેસ્ટીંગ સ્કોબ ભારતમાં રૂપિયા બેમાં બની રહયાં છે. આથી ભારતમાં મોંઘી પીપીઇ કીટ અને ટેસ્ટીંગ સ્કોબ ડેવલપ થઇ રહી છે. આ કીટ બનાવવા માટે બે વર્ષ લાગતા હતા ત્યારે ભારતે ૧પ દિવસમાં બનાવી દીધી છે. ટેક્ષટાઇલ મંત્રાલય મદદ કરવા માટે દિવસરાત તૈયાર છે. મંત્રાલય પહેલ કરે છે ત્યારે ઇન્ડસ્ટ્રીએ પણ પહેલ કરવી જોઇએ.
સાંસદ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કોન્ટ્રાકટ બેઇઝ્‌ડ વધારે વર્કરો કામ કરે છે એટલે તેમની ચોકકસ માહિતી મળતી નથી. વર્કરો હંગામો કરીને ઇન્ડસ્ટ્રીને નુકસાન ન પહોંચાડે તે માટે તેઓને વતન મોકલી દેવામાં આવ્યા છે. જે વર્કરો વતન ગયા છે તેઓને ફરીથી પાછા લાવવા માટે વ્યવસ્થા ગોઠવીશું. તેમણે ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન થયુ છે તેના ચોકકસ આંકડા ઉપર પહોંચવા એક્ષ્પર્ટની મદદ લેવા સૂચન કર્યુ હતુ.
સાંસદ શ્રીમતી દર્શનાબેન જશદોશે જણાવ્યુ હતુ કે, લોકડાઉન દરમિયાન જે લોકો પોતાના વતન ગયા છે તેમાંથી કેટલાક લોકો પરત આવવા માંગી રહયા છે. જો કે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા હાલ રેડ ઝોનમાં ફેકટરીઓ શરૂ નહીં થશે.
આ વેબીનારમાં તિરુપુર, ઇચ્છલકરંજી, માલેગાંવ, ભીવંડી તથા સમગ્ર દેશભરમાંથી ૧ર૦૦થી વધુ ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માની વેબીનારનું સમાપન કર્યુ હતુ