//SGCCIએ નવી રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી 2020 માટે સૂચનો મેળવવા સંગઠનો સાથે ચર્ચા કરી

SGCCIએ નવી રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી 2020 માટે સૂચનો મેળવવા સંગઠનો સાથે ચર્ચા કરી

Share

 2,465 total views,  6 views today

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘નેશનલ ટેક્સટાઈલ પોલિસી ર૦ર૦ અંગે સરકારમાં રજૂઆત કરવા અર્થેના સૂચનો મેળવવા માટે ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ટેક્સટાઈલ ક્ષેત્રના તમામ સેકટરના સંગઠનોનાં પ્રતિનિધિઓ હાજર રહી ખૂબ જ મહત્વના સૂચનોની ચર્ચા કરવામાં આવી હતી. રાજય સરકારના ભુતપુર્વ કેબીનેટ મંત્રી શ્રી નાનુભાઇ વાનાણી પણ ઉદ્યોગપતિ તરીકે આ મિટીંગમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ આ મિટીંગમાં સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યુ હતુ કે, ટેક્ષ્ટાઇલ ક્ષેત્રના તમામ સેકટરના પ્રતિનિધીઓ પાસેથી સૂચનો મેળવવા માટે અગાઉ પણ ઘણી વખત મિટીંગો કરવામાં આવી છે. અગાઉ મળેલા સૂચનોને આધારે ચેમ્બર દ્વારા જે રીતે રજૂઆતો કરવામાં આવી છે એવી રીતે જ આજની મિટીંગમાં મળેલા સૂચનોને આધારે આગળ પણ રજૂઆત કરવામાં આવશે. તેમણે રાજય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે ટેક્ષ્ટાઇલ સંબંધિત મહત્વના ૧૪ મુદ્દાઓ ઉપર વિવિધ સેકટરના પ્રતિનિધિઓને સૂચનો આપવા અનુરોધ કર્યો હતો. આ મુદ્દાઓમાં ફાયનાન્સ એન્ડ કેપીટલ, એફટીએ, ઈનડાયરેકટ ટેક્ષેશન, સેકટર સ્પેસિફીક ઇન્સેન્ટીવ્ઝ, ઇન્ટર–રિલેટેડ પોલિસીઝ, પાર્ક અંગેની પોલિસી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વિવિધ યોજનાઓ, એક્ષ્પોર્ટ પ્રમોશન, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ સંબંધિત પ્રશ્નો, પર્યાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમાવેશ હતો.

આમિટીંગમાં હાજર રહેલા પ્રતિનિધીઓએ મુખ્યત્વે ફાયનાન્સ એન્ડ બેન્કીંગ સેકટરમાં લોન લેતી વખતે મોર્ગેજ ડીડ કરતી વખતે ઉંચી સ્ટેમ્પ ડયુટી ચૂકવવી પડે છે તે સંદર્ભે ગુજરાત સરકારને રજૂઆત કરવા ચેમ્બરને સૂચન કર્યુ હતુ. છેલ્લા ઘણા સમયથી ફોરેન એક્ષ્ચેન્જ રેટમાં ઉતાર–ચડાવ રહે છે, જેના કારણે આયાતકારોને નુકસાન જાય છે. અહીં હેજીંગ અર્થે ચોકકસ પોલિસી ભારત સરકાર તરફથી મળે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. બેંક લોન રિસ્ટ્રકચરીંગના હાલના કાયદા ઘણા પેચીદા હોવાને કારણે ઘણા વાયેબલ બિઝનેસીસને પણ એનપીએ થવુ પડતુ હોય છે, આથી આવા કાયદાઓ બદલવા માટે પણ સૂચન કરવામાં આવ્યુ હતુ. આરબીઆઇને ટર્મ લોન ઉપર રીપેમેન્ટ કરવાનો સમય હાલમાં પાંચથી છ વર્ષનો છે, જે ખૂબ જ ઓછો પડે છે જેની મર્યાદા દસ વર્ષની હોવી જોઇએ તેમ સૂચન કરવામાં આવ્યુ હતુ.

યુરોપિયન યુનિયન જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે આગળ વધવા માટે સરકારને રજૂઆત કરવી જોઇએ તેમ પણ સૂચન કરવામાં આવ્યુ હતુ. હાલમાં ખાસ કરીને અન્ય પાડોશી દેશોમાંથી આયાત થતા તૈયાર ગારમેન્ટ ઉપર નોન ટેરીફ બેરીયર લાદવા સૂચન થયુ હતુ. સર્ટિફિકેટ ઓફ ઓરિજનની ચર્ચા કરવામાં આવી અને તે સંદર્ભે રો મટીરિયલમાંથી ફીનીશ્ડ ગુડ્‌ઝ પણ જે તે દેશમાં જ બનેલુ હોવુ જોઇએ અને નહીં કે સામાન્ય વેલ્યુ એડીશનને કારણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ લે.

એન્ટી ડમ્પીંગ ડયુટીના પ્રશ્નને હલ કરવા માટે પ્રમુખશ્રીના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને ટેક્ષ્ટાઇલના વિવિધ સેકટરના પ્રતિનિધીઓએ એક ખાસ મિટીંગ બોલાવવાનું નકકી કર્યુ હતુ તથા ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાના સૂચનથી એક્ષ્ટર્નલ થર્ડ પાર્ટી એક્ષ્પર્ટ રાખીને મેમોરેન્ડમ બનાવવાનું નકકી કરવામાં આવ્યુ હતુ.

હાલના જીએસટી રિજીમમાં કાઉન્ટર વેલીંગ ડયુટી તથા સ્પેશિયલ એડવોલેરમ ડયુટી જે ઇપીસીજી લાયસન્સના એક્ષ્પોર્ટ ઓબ્લીગેશન પરીપૂર્ણ ન કરી શકે તેવા સંજોગોમાં જીએસટી પેટે વેરો ભરી તેની ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મળે તે પ્રકારની સવલત સરકારે સત્વરે જાહેર કરવી જોઇએ.

વધુમાં આ મિટીંગમાં રાજય સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં જાહેર કરવામાં આવેલી પાવર સબસિડીની ગાઇડલાઇન બનાવવા માટે પણ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવે તે અંગે ચર્ચા થઇ હતી. વિવિધ મુદ્દાઓ જેવા કે ઇપીસીજી સ્કીમ એ ૩૧ માર્ચ ર૦ર૦માં એક્ષ્પાયર થાય છે તેને લંબાવવા તથા એટીયુએફ (એમેન્ડેડ ટેક્ષ્ટાઇલ અપગ્રેડેશન ફંડ) સ્કીમમાં સ્પીનીંગ સેકટરની મશીનરીને પણ આવરી લેવા માટે રજૂઆત કરવામાં આવે તેમ સૂચન કરવામાં આવ્યુ હતુ. ‘વન નેશન વન પાવર’ની પોલિસી બનાવવા માટે પણ સૂચન થયુ હતુ. આ અંગે પણ અલગથી મિટીંગ બોલાવવાનુ નકકી થયુ હતુ. આ ઉપરાંત સુરતમાં એક વિશાળ ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ પાર્ક જીઆઇડીસી દ્વારા સ્થાપવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવે તેવો ચેમ્બરને અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજય સરકારે જાહેર કરેલી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ઇલેકટ્રીસિટી ડયુટી ટેરીફમાં કન્સેશન આપવાની વાત થઇ હતી. આ હકીકતને ખૂબ લાંબો સમય થઇ ગયો હોવા છતાં સરકાર તરફથી વિવીંગ સેકટર તેવો લાભ મળવાથી વંચિત રહેલા છે. આ માટે સરકારમાં તાત્કાલિક રજૂઆત કરી ઠરાવ જાહેર કરવામાં આવે અને તેવો ઠરાવ ટોરેન્ટ પાવર તેમજ જીઇબી સરળતાથી અમલીકરણ કરે અને માહોમાહે તેનો લાભ મળતો થાય તે અંગે રજૂઆત કરવા સૂચન થયુ હતુ.

શ્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યુ હતુ કે સુરતના ટેક્ષ્ટાઇલ ક્ષેત્ર માટે રાજય અથવા કેન્દ્ર સરકારમાં જે કઈપણ રજૂઆત કરવી પડે ત્યાં તેઓ પોતાનો સંપૂર્ણ સાથ સહકાર આપશે.

મિટીંગ ખૂબ જ લાંબો સમય ચાલી હોવાથી બાકી રહી ગયેલા મુદ્દાઓ માટે નજીકના સમયમાં જ ફરી પાછા પ્રતિનિધિઓ ચર્ચા વિચારણા માટે હાજર રહે તેમ નકકી કરવામાં આવ્યુ હતુ.

મિટીંગના અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે ચેમ્બર ત્રણ સ્પેશ્યલાઇઝ એજન્સીને શોર્ટલીસ્ટ કરી વિવિધ એસોસિએશનને વોટીંગ માટે મોકલશે અને સ્પેશ્યલાઇઝ એજન્સી આખા ટેક્ષ્ટાઇલ સેકટરને સ્પર્શ કરતી એક કોમન મીનિમમ પ્રોગ્રામના થીમ પ્રમાણે એન્ટી ડયુટી ડમ્પીંગ તથા જીએસટી રેટ સ્ટ્રકચરમાં રેશનલાઇઝ કરવા માટેનો મુસદ્દો તૈયાર કરશે