//સુરતનાં આંગણે SGCCI દ્વારા ‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શન (24થી 27 જાન્યુ. દરમ્યાન) આયોજન

સુરતનાં આંગણે SGCCI દ્વારા ‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શન (24થી 27 જાન્યુ. દરમ્યાન) આયોજન

Share

 4,651 total views,  2 views today

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના પ્રમુખ કેતન દેસાઈએ એ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થાદ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું ભવ્ય આયોજન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા. ર૪ જાન્યુઆરીથી ર૭ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એમએસએમઇના હબ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ અંગે વિદેશી હુંડીયામણને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી સ્મૃતિબેન ઇરાની સાથે પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉત્પાદન માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પણ ચેમ્બર દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.

‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવારે, તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજય કક્ષાના માનનીય મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) પધારશે અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. માનનીય સાંસદ સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજયના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો. રાહુલ બી. ગુપ્તા (આઇએએસ) અને યસ બેંક મુંબઇના સિનિયર પ્રેસિડેન્ટ અરૂણ ટીકૂ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સામાન્યપણે સુરતમાં લૂમ્સના ચારથી પાંચ મોટા ઉત્પાદકો છે. ટીએફઓના પાંચ મોટા અને સાત જેટલા નાના ઉત્પાદકો છે. જયારે ટેક્ષ્ચ્યુરાઇઝીંગના પાંચ, સ્પીલિટીંગ મશીનના પાંચ અને યાર્ન ડાઈંગ મશીનના પાંચ ઉત્પાદકો છે. આથી નાના મશીનરી ઉત્પાદન ક્ષેત્રને બહોળું કરવા માટે ‘ઉદ્યોગ પ્રદર્શન’ ખૂબ જ મહત્વનું બની રહેશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીનાં ઉત્પાદકોને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરીનું ઉત્પાદન લેવા માટે કઈ મુશ્કેલી નડી રહી છે તે પણ પ્રદર્શનમાં ભાગ લેનારા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદના માધ્યમથી જાણી શકાશે.

‘ઉદ્યોગ ર૦ર૦’ પ્રદર્શનના ચેરમેન વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં કુલ ૧,રપ,૦૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયુ છે. જેમાં ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, ટૂરીઝમ, જીઆઇડીસી, ટોરેન્ટ) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસીઝ પ્રદર્શિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.

ઉદ્યોગ પ્રદર્શન દરમિયાન ચેમ્બર, સુરત ટેક્ષ્ટાઇલ કલબ અને એનઆઇએફટીના સંયુકત ઉપક્રમે શુક્રવારે, તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરતમાં બનતા વિવિધ ફેબ્રિકસનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના આ આયોજનમાં રાજય સરકારના ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇ–ગવર્નન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોલ્ડ સ્પોન્સર તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., સિલ્વર સ્પોન્સર તરીકે કલર ટેક્ષ, એમએસએમઇ બેન્કીંગ પાર્ટનર તરીકે યસ બેંક જોડાયુ છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા, વેડરોડ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ., માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન, સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સચીન ઈન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. ચેમ્બરની સાથે એસોસિએટ્‌સ તરીકે જોડાયા છે. ‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.