//કાપડ વિવિંગ ક્ષેત્રે સફળતા માટે ઈનોવેશન, આક્રમક માર્કેટીંગ, માર્કેટ રીસર્ચ સાથે માનસિકતામાં પરિવર્તન અનિવાર્ય

કાપડ વિવિંગ ક્ષેત્રે સફળતા માટે ઈનોવેશન, આક્રમક માર્કેટીંગ, માર્કેટ રીસર્ચ સાથે માનસિકતામાં પરિવર્તન અનિવાર્ય

Share

 5,950 total views,  2 views today

(તંત્રીઃ અમરિષ ભટ્ટ)

૧૯૯૯માં ભારત સરકારે જાહેર કરેલી રૂ. ૨૫,૦૦૦ કરોડની જંગી ‘ટફ’ યોજનાનો મૂળ ઉદ્દેશ દેશનાં ટેક્સટાઈલ ઉઘોગની ટેકનોલોજીનાં આધુનિકીકરણનો હતો. આજે વીસ વર્ષ પછી તેની આપૂર્તિ વિશે વિચારીએ તો જરૂર કહી શકાય કે “ઘણું થયું છે, ઘણું કરવાનું બાકી છે.’ સિન્થેટીક ટેક્સટાઈલ ઉત્પાદનની દેશની સૌથી પ્રમુખ નગરી સુરતની વાત કરીએ તો અહીં ટેકનોલોજી અપગ્રેડેશનની કામગીરીઘણી મોડી શરૂ થઈ હતી અને આજે બે દાયકા પછી પણ ઉઘોગકારોની માનસિકતામાં આવતાં પરિવર્તનની ગતિ ખાસ્સી ધીમી છે. અહીં વાપરેલા શબ્દો ‘ માનસિકતા પરિવર્તન’ ખૂબજ સૂચક અને મહત્વનાં છે. આમ લખવા માટે કેટલાક કારણો અને ખાસ પ્રયોજન છે.
ખાસ કરીને સુરતમાં કાપડ વિવિંગ ક્ષેત્રે ચાલેલી ટેકનોલોજી આધુનિકીકરણની પ્રક્રિયા દરમ્યાન લાગેલી શટલ લેસ લૂમ્સ – મશીન્સમાં ૪૦,૦૦૦ જેટલી વૉટર જેટ લૂમ્સ છે જે મોટે ભાગે ચાઈનાથી આયાત કરવામાં આવેલી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આમાંની ૯૦ ટકા વૉટરજેટ લૂમ્સ હજી પણ સુરતની પરંપરાગત સસ્તી કિંમતની પોલીયેસ્ટર સાડીનુંજ ખૂબજ મોટાપાયે ઉત્પાદન કરે છે. આનો સાદી ભાષામાં અર્થ એ થયો કે “અરબસ્તાનથી લાવેલો કિંમતો ઘોડો રેસમાં દોડાવાને બદલે સરકસ અને વરધોડામાં ફેરવવામાં આવી રહયો છે.’ વિશ્વમાં અન્ય વિકસીત ટેક્સટાઈલ ક્ષેત્રોમાં વૉટરજેટ ઉપર આજે તંબુનું કાપડ, ઓટોમોટીવ ટેક્સટાઈલ, પેરાશ્યુટસ, આર્મી ડ્રેસ, ટેકનીકલ ટેક્સટાઈલ્સ જેવાં અનેક ક્ષેત્રોમાં વપરાતા કિંમતી કાપડ બનાવવામાં આવે છે અને આપણે તેની ઉપર સાડીની સસ્તી કાપડની જાતો બનાવવામાંથી આગળ વધતાં નથી. આનો અર્થ એ પણ થયો કે “આપણે જેટ યુગમાં લઈ જતાં વિમાનમાં આખેઆખું બળદગાડું લઈને બેસી ગયા છીએ.’ આમ કેમ ચાલે? આવુંજ કાંઈક રેપીયર જેવા વર્સેટાઈલ વિવિંગ મશીન સાથે પણ થઈ રહયું છે.
સુરતમાં હજી મોટાપાયે લો-સ્પીડ રેપીયર મશીનોજ વધુ સંખ્યામાં ચાલી રહયાં છે. હાઈસ્પીડ રેપીયરનો વ્યાપ વધવો હજી બાકી છે. અહીં ઈલેક્ટ્રોનીક જેકાર્ડ મશીનો પણ સારી એવી સંખ્યામાં કાર્ય કરી રહયાં છે. પરંતુ, મોટાભાગનું ઉત્પાદન સાડી અને ડ્રેસ મટિરિયલ્સનુંજ થાય છે. અહીં યુરોપીયન કંપનીઓનાં ખૂબજ અઘતન ટેકનોલોજી ધરાવતાં રેપીયર મશીનો પણ આવ્યાં છે. પરંતુ, ખાટલે મોટી ખોડ એ છે કે ગમે તેવું અઘતન રેપીયર મશીન લાવવામાં આવે પરંતુ તેની ઉપર તૈયાર થતું કપડુ સસ્તુ બનાવવામાં આવે છે જે લગભગ પરંપરાગત કાપડ ક્વોલીટી હોય છે. આમ તો રેપીયર મશીન એવું વર્સેટાઈલ મશીન છે કે તેની ઉપર ગમે તેવું હાઈક્વોલીટી કપડું વણી શકાય. તેની ઉપર બુલેટપ્રુફ જેકેટનું ફેબ્રિક્સ પણ વણી શકાય છે. પરંતુ હજી સુરતમાં ડાઈડ યાર્નમાંથી બનાવેલી ફિનીશ્ડ ક્વોલીટીની સાડીઓનું મોટાપાયે ઉત્પાદન થાય છે.ઘણી ક્વોલીટીઓ તો સાવ સાદી અને અન્ય શહેરોની અંદર બનતી મોંધી સાડીઓ કે કાપડની સસ્તી “ડાલડા’ ક્વોલીટીજ હોય છે. જો કે સસ્તી નકલ હોવાથી તે કમાણી જરૂર કરી આપે છે, પરંતુ અગાઉ કહયું તેમ “અરબસ્તાની ધોડાને સરકસમાં ફેરવવાનીવાત’ છે. રેપીયર મશીનનાં વિવર્સે હવે ગારમેન્ટ ઉપયોગી ફેબ્રિક્સ ઉત્પાદન ભણી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સુરતને પોલીયેસ્ટર નગરી સાથે સાથે ગારમેન્ટ ફેબ્રિક્સ ઉત્પાદનનું ‘હબ’ બનાવીએ તો શહેરનો વિકાસ અને વિસ્તાર હજુ દસ ગણો થઈ શકે તેમ છે. આ મુદ્દા ઉપર ઉંડો વિચાર કરવાની મોટી જરૂરી છે.
સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગનો એક મોટો ઈતિહાસ, હૂન્નર અને પરંપરા છે. પણ આ એક ભવ્ય ભૂતકાળ છે. આપણે હવે નવું ભવિષ્ય અને નવો ઈતિહાસ રચવો જરૂરી છે. વિશ્વમાં અનેક દેશો, પ્રજા, સંસ્કૃતિ, ભાષા, રંગો, ફેશનોમાં જંગી પરિવર્તનો આવ્યાં છે. હવે સારી ગુણવત્તા, ટેક્સ્ચર, મનપસંદ રંગો, આલ્હાદક ફીલ (સ્પર્શ)નાં આધુનિક ફેશનનાં વસ્ત્રોનાં મ્હોં માંગ્યા દામ આપવામાં આવે છે. સુરતની અંદર ખૂબજ મોટો વિરાટ ઉઘોગ સાહસીક વર્ગ છે જે ઓછું ભણતર, પાંખો અથવા તો શૂન્ય અનુભવ છતાં અહીં લાખો કરોડોનું મૂડીરોકાણ કરીને ઝંપલાવે છે. તેને યોગ્ય માર્ગદર્શન અને સારો સાચો ધાટ આપવાની જરૂર છે. આ ખૂબજ મહત્વનું ઉમદા કાર્ય છે. બધુ કામ સરકાર કરશે એવી અપેક્ષા રાખવી અનુચિત અને અસ્થાને ગણાશે.
સુરતનાં કાપડ ઉત્પાદન ઉઘોગે ટેકનોલોજીનાં આધુનિકીકરણનો પ્રથમ તબક્કો સારી રીતે પુરો કર્યો છે. હવે જે તબક્કામાં પ્રવેશ કરવામાં આવ્યો છે તે બીજા તબક્કામાં સ્થાનિક વિવર્સ ઉઘોગકારોએ માનસિકતામાં પરિવર્તન લાવવાનું છે અને તેનાં વિનાં જંગી મૂડીરોકાણ અને વિરાટ સાહસનો ઉભો પાક લણવાનું કામ થઈ શકશે નહીં આનાં માટે સુરતનાં વિવર્સે નીચેનાં મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તેની ઉપર ઝડપી અમલ કરવો રહયો. આ મુદ્દાઓ નીચે મુજબ છેઃ
(૧) નવી અને આધુનિક ટેકનોલોજીની સંપૂર્ણ જાણકારી સાથે અપનાવી તેની મર્યાદાઓ સમજીને તેને અનુરૂપ એવું કાપડ બનાવવું જેની દેશ અને દુનિયામાં ડિમાન્ડ હોય. નહીં કે પહેલાં કાપડ બનાવવું અને પછી તેને વેચવા માર્કેટની શોધ શરૂ કરવી. આ અભિગમ ખૂબ મોંઘો પડયો છે અને તેનાંથી ઘણાં મામુલી આવકમાં સંતોષ માનીને બેઠાં છે તો ઘણાંનાં ધંધા બંધ પણ થયા છે. આજે સુરતમાં વૉટરજેટ લૂમ્સ ઉપર 200 થી અધિક ગ્રે ક્વોલીટીઓ બને છે. પરંતુ જેને ખરેખર ઈનોવેશન કહેવાય તેવાં વિવર્સ મ્હાંડ ચાર પાંચ ટકા પણ નથી. જે વૈવિધ્ય લાવે છે ઘણું સારૂ કમાય છે.
(૨) તમારા એકમનું માત્ર વિસ્તરણ કે ઉત્પાદન ક્ષમતામાં વૃધ્ધિ કરવામાં ધ્યાન આપવા કરતાં કંપનીની બ્રાંડનો વિકાસ કરીને તેનાં માર્કેટીંગમાં વધુ ધ્યાન આપવું અને હંમેશા નવા ગ્રાહકોની શોધ કરતાં રહેવું એ સમયની માંગ છે. દુનિયામાં દરેક મોટી બ્રાંડ અને કંપનીઓનો મુખ્ય આધાર તેમનું માર્કેટીંગ હોય છે. આથી ધંધામાં માર્કેટીંગ માટે ચોક્કસ આયોજન અને સાતત્યપૂર્ણ નક્કર પ્રયાસો આવશ્યક છે. નિષ્ફળ કંપનીઓનાં મૂળમાં નબળું કે ઢંગધડા વિનાનુ માર્કેટીંગ આયોજન જવાબદાર હોય છે.
(૩) પરંપરાગત કાપડની ક્વોલીટીનાં ઉત્પાદનમાં મસ્ત રહેવાથી તેમાંથી મળતો નફો પણ સામાન્યજ રહેશે. આથી નવા કાપડ, નવી ફેશન, નવા રંગો, નવા યાર્નનો ઉપયોગ ઉપર વધુ ધ્યાન આપવું અને ‘ઈનોવેશન’ને ધંધાનો મંત્ર બનાવવો. જે વિવર્સ આજે પણ સારૂ કમાય છે તેમનું સૌથી મોટુ જમા પાસુ તેમનો ઈનોવેશન એટલે કે સતત કાંઈ નવુ કરતાં રહેવું અને નવી નવી કપડની ક્વોલીટીઓ બનાવતા રહેવું હોય છે. કાપડ વિવિંગ એ કળા છે. માત્ર ઉત્પાદન ઉપર ધ્યાન રાખવા સાથે કાપડ ક્વોલીટીમાં વૈવિધ્ય પર ભાર મુકવો ફાયદેમંદ સાબિત થાય છે.
(૪) અન્ય ઉઘોગોની માફક ટેક્સટાઈલ ઉઘોગ અને કાપડ ઉત્પાદન પણ એક ધંધો છે. આથી તેમાં વધુને વધુ કમાણી કરવી એ જ ઉદ્દેશ હોવો જોઈએ. આથી ધંધામાં વિસ્તરણ, વિકાસની સાથે સાથે ‘સ્થિરતા’ પર વધુ ધ્યાન રાખવું જોઈએ. માત્ર મશીનોની સંખ્યા વધારવી એ વિકાસ નથી. તેનાંથી મુશ્કેલ સમયમાં મોટી જવાબદારી આવી શકે છે અને ધંધાનું સમગ્ર પાસુ ડામાડોળ થઈ શકે છે. આમ નવી મશીનરી વસાવવી કે ધંધામાં ઉત્પાદન ક્ષમતામાં વૃધ્ધિ કરવી એ લાંબો વિચાર માંગી લે છે. તેમાં ખોટી ઉતાવણ લાંબે ગાળે નુકસાનકારક સાબિત થાય છે.
(૫) કાપડ વિવિંગ કરતી વેળાએ આપણે તેમાં વેલ્યુ એડિશનનો મુદ્દો યાદ રાખવો ખૂબજ જરૂરી છે. કોઈપણ કાપડ કે પ્રોડક્ટને બનાવીને તેને સીધા સાદા રૂપમાં વેચવા કરતાં જો તેમાં કોઈપણ જાતનું વેલ્યુ એડીશન એટલે કે મૂલ્યવૃધ્ધિ કરવામાં આવે તો તેનાંથી થતી કમાણીમાં મોટી વૃધ્ધિ થતી હોય છે. વેલ્યુ એડિશનએ આધુનિક યુગનો સફળતા મંત્ર છે.
(૬) કાપડ સહિતનાં કોઈપણ ધંધામાં હવે માર્કેટ રીસર્ચ એટલે કે બજારની અંદરની ગતિવિધીઓ અને આવતાં ફેરફારો પરિવર્તનોનોને યોગ્ય સમયે, ઝડપથી સમજીને તેને અનુરૂપ પોતાની કંપની અને ઉત્પાદનોમાં ફેરફાર કરવા એ ખૂબજ મહત્વની બાબત છે. કાપડની વાત કરીએ તો કયા પ્રકારનાં કાપડ, કઈ ફેશન, કેવું કપડું, કેટલી માત્રામાં, કઈ જગ્યાએ, કઈ કિંમત, કેટલી માંગ નીકળશે આ બધી માહિતીઓને માર્કેટ રીસર્ચમાં ગણી શકાય છે. આ મુદ્દે હજી સુરતનાં મોટાભાગનાં વિવર્સ ગંભીર નથી. ઘણાં વિવર્સનું કદ ખૂબજ નાનું છે આથી આવું માર્કેટ રીસર્ચ કરવા સક્ષમ નથી કેમકે તેને માટે મોટા નાણાંભંડોળની જરૂર છે. પરંતુ તેમનું એસોસીએશન કે સંગઠન આ કામ કરી શકે છે જેની કિંમત ઓછી આવે છે.
સુરતનાં વિવિંગ ઉઘોગની સૌથી મોટી તાકાત તેની જંગી વિવિંગ ક્ષમતા જરૂર છે પરંતુ એક સામટા મોટા કાપડના લોટ્સ (જથ્થો) એક સરખી ગુણવત્તાનું કાપડ આપવું એ હજુ મોટો માઈનસ પોઈંટ છે. આ ક્ષેત્રે ધણું કરવું બાકી છે. નાના મોટા વિવર્સે અન્ય એકમો અને તેમનાં કાપડની નકલ કે એકસરખું એકધારૂ ઉત્પાદન કરવા કરતાં નવા નવા યાર્નનાં ઉપયોગ અને આગવી કાપડ ક્વોલીટીઓ વિકસાવીને તેનું ઝડપી માર્કેટીંગ કરીને ત્વરીત કમાણીનાં માર્ગે આગળ વધવાની ખૂબજ જરૂર છે.
આમ માત્ર આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી વસાવવાથી આધુનિકીકરણ થયું છે એમ ન કહી શકાય. પરંતુ વસાવેલી ટેકનોલોજી અને મશીનોનો યોગ્ય અને બુધ્ધિગમ્ય ઉપયોગ, યોગ્ય કાપડની કમાણી કરે તેવી ક્વોલીટીઓનું ઉત્પાદન, યાેગ્ય માર્કેટીંગ મેનેજમેન્ટ અને પ્રોફેશ્નાલિઝમથી તેનો અમલ કરીએ તો જ સાચી સફળતાનાં અધિકારી બનાય છે. આજ સાચુ આધુનિકીકરણ કહેવાય.