//ઠંડી પડતી યુએસ-ઈરાન યુધ્ધની સ્થિતિ અને રો-મટિરિયલ્સનાં ઘટતાં ભાવોથી સિન્થેટીક યાર્નનો તાજો ભાવ વધારાનો ફૂગ્ગો ફૂટશે?

ઠંડી પડતી યુએસ-ઈરાન યુધ્ધની સ્થિતિ અને રો-મટિરિયલ્સનાં ઘટતાં ભાવોથી સિન્થેટીક યાર્નનો તાજો ભાવ વધારાનો ફૂગ્ગો ફૂટશે?

Share

 4,748 total views,  2 views today

સુરતનાં કાપડ ઉઘોગનાં અનુભવી જાણકારો અને સુત્રોનાં મતે સ્પિનર્સનો યાર્નનો અચાનકનો આડેધડ ભાવ વધારો “વાસ્તવિક કરતાં લાંબા ખાડી યુધ્ધની ધારણાં અનુમાનો’ ઉપર ઉભો થયેલો હતો. જેમાં ઈરાન અમેરિકા વચ્ચેનો ટકરાવ યુધ્ધમાં ઓઈલ-ક્રુડની સપ્લાય લાઈનને અસર પડે તથા બેન્ટ ક્રુડનાં ભાવો ૮૦થી ૧૦૦ યુએસ ડોલરની સપાટી ભણી તેજીથી ગતિ કરે તેવી સ્થિતિમાં યાર્નનાં ભાવો કેવા રહે તેનું અનુમાન ભાગ ભજવી ગયું : વિવર્સની અંદર અંદર વૉટસઅપ મેસેજનો મારો ચાલ્યો તેનાંથી તીવ્ર ઝડપે વધેલાં યાર્નનાં ભાવો અને યાર્ન સ્પિનર્સ ડીલર્સની મનશા અંગે વિવર્સ જૂથોમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને એકતા અને સંપનો માહોલ પેદા થયો. જેનાંથી યાર્નની ખરીદી અંગેનાં ધણાં સમીકરણો બદલાયા. વૉટસએપ અને આધુનિક સોશ્યિલ મીડિયાની ક્રાંતિનો મોટા લાભ વિશાળ સમુદાયે ઉઠાવ્યો તેમ કહી શકાય.

(પ્રતિનિધી દ્વારા) સુરત,
ઈરાન તેમજ અમેરિકા વચ્ચે અચાનક તણાવ અને મિસાઈલો ફેંકવાની સ્થિતિ સર્જાવાને પગલે સિન્થેટીક યાર્ન સ્પિનર્સે વિવિધ યાર્નનાં ભાવોને ધડાધડ વધારી દેતાં છેલ્લાં સપ્તાહથી સુરતનાં ટેક્સટાઈલ ઉઘોગમાં સોપો પડી ગયો હતો. જોકે સુરતનાં કાપડ ઉઘોગનાં અનુભવી જાણકારો અને અમારા સુત્રોનાં મતે સ્પિનર્સનો યાર્નનો અચાનકનો આડેધડ ભાવ વધારો “વાસ્તવિક કરતાં લાંબા ખાડી યુધ્ધની ધારણાં અનુમાનો’ ઉપર ઉભો થયેલો હતો. જેમાં ઈરાન અમેરિકા વચ્ચેનો ટકરાવ લાંબા યુધ્ધમાં પરિણમે અને ખાડી દેશોમાંથી આવતાં ઓઈલ-ક્રુડની સપ્લાય લાઈનને અસર પડે તથા બેન્ટ ક્રુડનાં ભાવો ૮૦થી ૧૦૦ યુએસ ડોલરની સપાટી ભણી તેજીથી ગતિ કરે તેવી સ્થિતિમાં યાર્નનાં ભાવો કેવા રહે તેનું અનુમાન ભાગ ભજવી ગયું હોય તેવું છે. આનાંથી સુરત સહિતનાં દેશનાં વિશાળ સિન્થેટીક કાપડ વિવર્સ સમુદાય એક પેનીક(ગભરાટ) મોડમાં આવી ગયો હતો.
આ દરમ્યાન સુરતનાં યાર્ન ડીલર્સનાં વૉટસઅપ ગૃપમાં કેટલાંક મેસેજ ફરતાં થયાં ત્યારપછીથી યાર્ન ડિલર્સ દ્વારા વિવર્સને મેસેજ મોકલવામાં આવ્યાં ભાવો વધવાની આશંકા અને ઝડપી બુકિંગની વાતો અને તેની સમાંતર ખૂબજ મોટી સંખ્યામાં વિવર્સ સમુદાયની અંદર અંદર જે વૉટસઅપ મેસેજનો મારો ચાલ્યો તેનાંથી તીવ્ર ઝડપે વધેલાં યાર્નનાં ભાવો અને યાર્ન સ્પિનર્સ ડીલર્સની મનશા અંગે વિવર્સ જૂથોમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને યાર્નની ગભરાટની ખરીદી માટે સૌને શંકા થઈ અને એકતા અને સંપનો માહોલ પેદા થયો. જેનાંથી યાર્નની ખરીદી અંગેનાં ધણાં સમીકરણો બદલાયા. કદાચ વૉટસએપ અને આધુનિક સોશ્યિલ મીડિયાની ક્રાંતિનો મોટા લાભ વિશાળ સમુદાયે ઉઠાવ્યો તેમ કહી શકાય.
ભાવોમાં ફટાફટ વધારો કરવા પાછળ યાર્ન સ્પિનર્સનું ગણિત હતું કે જો યુધ્ધની સ્થિતિ લંબાય અને અથવા વિવર્સ મોટી ખરીદી કરવા માંડે તો ભાવો પચી જાય એવું પણ હતું. પરંતુ અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ હવે પછી ઠંડુ વલણ દેખાડશે એવો ગર્ભિત ઈશારો કરતાં ખાડીનાં દેશ ઈરાનનું યુધ્ધ અને તેનાં પગલે ક્રુડ-ઓઈલનો ગભરાટ શમવા લાગ્યો છે અને ભાવો નીચા જઈ રહયાંનાં સમાચાર છે. આજે તા. ૯ જાન્યુઆરી ૨૦૨૦નાં ભાવો કાંઈક આવા છે. 09/01/2020, PX cfr 844 (+03), PTA 630 (-05), MEG 608 (-07), Nymx. 60.06, Dollar 71.49, Brent Crud 65.96, Melt 63.29 ઘણું કહી જાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પછી ઈરાને પણ ભારતની મધ્યસ્થી સ્વિકારવાની વાત કરી ભારત સરકારને મંત્રણાની પહેલ કરવા જણાવ્યું છે. આનાં પરથી સ્પષ્ટ થાય છે કે ઈરાન અને અમેરિકા ક્રમશઃ પોતાની તલવારો મ્યાન કરી રહયાં છે. આ સંજોગામાં હાલ પુરતો યુધ્ધનો ઉન્માદ અને ઉશ્કેરાટ શમી રહયાં હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
આ બધાં પરિબળોને એક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હવે ક્રુડ-ઓઈલ અને સિન્થેટીક યાર્નનાં રો-મટિરિયલ્સ જેવાંકે પેરાઝાયલીન, પીટીએ, ડીએમટી, બેન્ટ ક્રુડ તે ઉપરાંત યુએસ ડોલર અને ભારતીય રૂપિયાની અંદર કોઈ મોટા અવરોધ, બદલાવો કે કટોકટીની સ્થિતિની સંભાવના નથી.
આ સંજોગો સુરતનાં યાર્નબજારમાં આવેલો યાર્નનાં ભાવોની ફટાફટ અને જંગી વૃધ્ધિનો ફૂગ્ગો ફૂટી જવાનાં પુરા સંજોગો છે. જો વિવર્સ દ્વારા હાલમાં ગભરાટની ખરીદીનું વલણ છોડી દેવામાં આવે તો સિન્થેટીક યાર્ન સ્પિનર્સ-ડીલર્સનો ભાવ વધારાનો એકવધુ પ્રયત્ન મ્હોંભેર જમીન ઉપર પટકાશે તેમ લાગે છે. હાલમાંજ અમારા વિવર્સ ગૃપોનાં સુત્રો જણાવે છે કે વિવર્સ દ્વારા ગભરાટની ઉંચા ભાવની યાર્ન ખરીદીમાં કોઈ રસ દેખાડતો નથી અને કોઈ મોટી ખરીદીનાં મૂડમાં નથી.