//ટેક્સટાઈલનાં ધંધાનાં વટવૃક્ષને વધુ ફેલાવવા કરતાં મૂળીયા ઉંડે જાય તેમાં ધ્યાન આપવાની વધુ જરૂર

ટેક્સટાઈલનાં ધંધાનાં વટવૃક્ષને વધુ ફેલાવવા કરતાં મૂળીયા ઉંડે જાય તેમાં ધ્યાન આપવાની વધુ જરૂર

Share

 5,636 total views,  2 views today

તંત્રી- અમરિષ ભટ્ટ

સુરતનો ટેક્સટાઈલ ઉઘોગ એક અજીબોગરીબ કશ્મકશનો સામનો કરી રહયો છે. દરેક નાના મોટા ઉઘોગ સાહસિકોનાં મનમાં ભારે મનોમંથન છે, શું કરવું? ગઈકાલ એકંદરે સારી હતી, આજ ખૂબ મુશ્કેલીથી ભરેલી છે અને આવતી કાલ એટલે “ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે?’ મૂળ સુરતનાં કાપડ ઉઘમીઓ ખૂબજ સાહસિક ગણાય છે, પરંતુ, નોટબંધી અને જીએસટીનાં પગલે બધું સખળડખળ થઈ ગયું છે. સૌની ફરિયાદનો સૂર એકજ છે, “કામધંધામાં હવે પહેલાં જેવું નથી, ધંધો સાવ ધટી ગયો છે અને ખર્ચા કાઢવાની પણ મુશ્કેલીઓ છે.’ અહીં સૌ કોઈ ઈચ્છે છે કે ધંધાને મજબુત કરીએ, વિસ્તારીએ, આધુનિકીકરણનાં માર્ગે જઈએ અને સારી કમાણી કરીએ, પરંતુ, ફરી ફરીને એકજ વાત આવે છે કે આજની પરિસ્થિતિમાં સાચવીને બેસીએ નહીંતર ઉંધા પડવાની નોબત આવશે અને કમાવાને બદલે ગુમાવા અને લાંબા ખાડામાં ઉતરી જવાની નોબત આવશે. ક્રિકેટની ભાષામાં કહીએ તો, “રન નહીં થાય તો ચાલશે, પણ વિકેટ સાચવીને બેસવું.’
આ લેખ લખવાનો આશય તટસ્થ ભાવે કાપડ ઉઘોગને સાચુ માર્ગદર્શન આપવાનો છે. વર્ષોથી જે રીતે ઉઘોગપતિઓને ખોટી ભ્રામકવાતોની માયાજાળમાં લપેટીને ઉઘોગ સાહસિકતાનાં થનગનાટનો ગેરફાયદો ઉઠાવવો અને પોતાનાં થોડાંક હજાર રૂપિયાનાં કમિશનનાં ચક્કરમાં સાવ નવા નિશાળીયા, બીન-અનુભવી અને ધંધાની આંટીધૂંટીઓથી અજ્ઞાન એવાં નવા જોડાનારા એન્ટરપિ્રન્યોરર્સને અવળે પાટે ચઢાવવીને લાખો કરોડોની મશીનરી પધરાવી દેનારાઓથી સાવધાન કરવાનો હેતુ પણ છે. કાપડ ઉઘોગમાં કમાણી કરીને બે-પાંદડે થવા ધણાં ઉત્સાહી મૂડીરોકાણની કોથળી લઈ આવ્યાં હતાં તેમની સાથે ભૂતકાળમાં આ જ તો થયું છે.
ટેક્સટાઈલ ઉઘોગમાં ખૂબજ બહોળો અનુભવ ધરાવતાં અને જાણીતા ક્વોલીફાઈડ ટેક્સટાઈલ ટેક્નોલોજીસ્ટ એવાં મિનેશભાઈ અધ્વર્યુ એ સુરતનાં એક ટેક્સટાઈલ એક્ઝિબિશનમાં અમને મુકેલું એક એરજેટ મશીન દેખાડીને કહયું હતું કે એરજેટ લૂમ્સ ખૂબ જુના અને ૧૯૬૫-૭૦માં આઉટ ડેટેડ થઈ ગયેલાં છે અને વિશ્વમાં હવે તેને કોઈ વાપરતું નથી અને યુરોપમાં ભંગારમાં કાઢી નાંખવામાં આવેલાં છે, આ કોણ લાવ્યું એ ચિંતાની વાત છે. ટેક્સટાઈલ પત્રકારત્વ સાથે સંકળાયેલ હોઈ અમે આ સાંભળીને દંગ અને દુઃખી બંન્ને થઈ ગયેલાં. તે દિવસે સમજાયું કે સુરતમાં ટેકનોલોજીનાં આધુનિકીકરણનાં કાર્યક્રમને લોકો ખોટી રીતે હાઈજેક કરી ગયાં છે અને મનધડંત રીતે ઉઘોગકારોને મૂર્ખ બનાવી રહયાં છે. સમય છે સૌ મૂડી રોકાણકારોએ જાગી જવાનો.
ખેર મૂળ વાત ઉપર આવીએ. ખરેખર તો હાલમાં દેશની ઔઘોગીક અને અર્થવ્યવસ્થા ખૂબજ ડહોળાયેલી, અસ્પષ્ટ અને ખૂબ મુશ્કેલ કહી શકાય તેવી છે. સુરતમાં છેલ્લાં બે વર્ષમાં ટેક્સટાઈલ ઉઘોગ ખૂબજ મોટા ચઢાવઉતાર આવ્યા છે જેનાં સૌ સાક્ષી છીએ. વર્ષ ૨૦૧૭ની દિવાળી પૂર્વે સ્થાનિક પરંપરાગત પાવરલૂમ્સથી કાપડ વણતો ઉઘોગ સાવ કંગાલીયતને આરે આવ્યો હતો અને ૨,૦૦,૦૦૦થી અધિક સાદી લૂમ્સ ભંગાર વાડે ગઈ. તે સમયે રેપીયર અને ઈલેક્ટ્રોનીક જેકાર્ડ પર વણાતી ક્વોલીટીઓની બોલબાલા રહી અને સેંકડો રેપીયર અને ઈલે. જેકાર્ડ સુરતમાં ઠલવાયા. વૉટરજેટ લૂમ્સ મોટી સંખ્યામાં કાર્યરત થયાં, આ દરમ્યાન વોર્પ નિટીંગ અને સરક્યુલર નીટીંગ ઠલવાયા અને થોડાક સમયમાં ચળકાટ ઓસરી ગયો. ધણાં કરોડોનાં ખાડામાં ગયાં. પાછુ વર્ષ ૨૦૧૭ની દિવાળી પછીથી રેપીયર અને ઈલેક્ટ્રોનીક જેકાર્ડ પર વણાતી ક્વોલીટીઓનો ધંધો સાવ બેસી ગયો અને પેલી કોમોડીટી કહેવાતી સસ્તી પાવરલૂમ્સની ગ્રે જાતોમાં કમાલની તેજી આવી અને ખાસ્સુ કમાયા અને જુની ખોટ સરભર કરી અને આજદિન સુધી સતત ધટતાં નફે પણ કામકાજ કરે છે.
હાલમાં ડાયમંડ અને રિયલ એસ્ટેટ કન્સટ્રકશમાં ભારે મંદી છે એટલે આ લોકોને જેમને કાપડનાં ધંધાનો કશોજ અનુભવ નથી છતાં પોતાનાં પૈસાનું ગમે ત્યાં મૂડી રોકાણ કરીને બે પૈસા કમાવા સાથે ધરનાં બે-ચાર સભ્યો થાળે પડે તે માટે ટેક્સટાઈલમાં ખાસ કરીને સાદી લૂમ્સ કે એમ્બ્રોયડરી મશીનો નાંખી હાથમાં અજમાવવો છે. આ સંખ્યા પણ ખાસ્સી કહી શકાય તેવી છે. વૉટરજેટનો મુદ્દો રાજ્ય સરકારનાં પાણી પર્યાવરણનાં મુદ્દે લટકી રહયો છે. યાદ રહે, હવેનાં સમયમાં સમજણ વિનાનું નવુ મૂડીરોકાણ થશે તો સુરતનાં કાપડ ઉઘોગનો કહેવાતો અને આડેધડ વિકાસ નહીં વિનાશ થશે. જો પાવરલૂમ્સની સંખ્યા આડેધડ વધશે તો આવનારા સમયમા યાર્ન સ્પિનર્સનાં ધંધામાં પાછાં ધી-કેળાં થશે અને સમગ્ર કાપડ ઉઘોગનાં સમીકરણો પાછા ધરમૂળથી બદલાશે. વિવિંગ ક્ષેત્ર મોટી મુશ્કેલીમાં મુકાશે તેઓ ભચકતાં થશે અને “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ જેવો ધાટ નિતિરૂપે થશે. આ ખૂબજ ગંભીર અને વિચાર માંગી લે તેવો મુદ્દો છે.
સાચુ કહીએ તો સુરતમાં વિદેશથી ખાસ કરીને ચાઈના- કોરિયા- તાઈવાનથી વિવિધ ટેક્સટાઈલ મશીનરી લઈ આવીને જાણીતા અને નજીકનાં ઓળખતાં લોકોને વેચવાનો ધંધો ખૂબજ આસાન અને હાથવગો બની ગયો છે. આમાં ટેકનોલોજીનાં ખરા જાણકારો અને અનુભવીઓ ધણાં ઓછાં છે. મોટાભાગનાં લોકો “સૂંઠનાં ગાંગડે ગાંધી થઈ ગયા છે.’ વિતેલાં વર્ષોમાં ચાઈનાનાં કોમ્પ્યુટરાઈઝડ મશીનો, નાની મોટી વેલ્યુ એડિશન મશીનો, નીટિંગ મશીનો, સરક્યુલર નીટિંગ, રેપીયર મશીન, વોટરજેટ, એરજેટ અને આવી અનેક મશીનરીઓ આવી ચૂકી છે જેમાં ધણાં કમાયા છે, તો તેમાં બરબાદ થનારો ઉઘોગકારોનો વર્ગ પણ નાનો સૂનો નથી. આમાનાં ધણાં મશીનરી એજન્ટો પાસે નાતો ભવિષ્યની સારી ટેકનોલોજીનું જ્ઞાન છે ના તો કોઈપણ જાતનું વિઝન છે. આવાં લોકો દાટ વાળી શકે છે. સાવધ થઈ જજો.
કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાં અત્યારે કાપડ ઉઘોગમાં “થોભો અને રાહ જાુઓ’ની અપનાવી શાંતિથી બેસવાની જરૂર છે. જો તમે ધંધાને વિકસાવીને ઉંચાઈએ લઈ જવા માંગતા હોય તો અતિ આવશ્યક હોય તોજ નવી મશીનરી ખરીદવી જોઈએ. નવું મૂડી રોકાણ જમીન, બિલ્ડીંગ કે મશીનરીમાં કરવાનાં બદલે થોડાંક સમય પુરતું ધંધાને વધુ સ્થિર અને મજબુત બનાવવો, માર્કેટીંગ મજબુત કરવું, બ્રાંડીંગ સારી રીતે વિકસાવવું, પ્રોડકશનમાં સુધારા કરવા, નવી કપડ ક્વોલીટીઓ વિકસાવવી, નવા યાર્નનો ઉપયોગ કરવો, મેનેજમેન્ટ મજબુત કરવું, માર્કેટમાં રીલેશન સુધારવા, નવા નવા ગ્રાહકો અને માલ વેચવા નવી ટેરીટરી શોધવી આવાં મુદ્દે વધુ ધ્યાન આપવાનું ખૂબજ જરૂર છે.
ટેક્સટાઈલનાં ધંધામાં અત્યારે તમારા ધંધાનાં વટવૃક્ષને વધુ ફેલાવવા કરતાં તેના મૂળીયા વધુ ઉંડે જાય અને ફેલાય તેમાં ધ્યાન આપવાની જરૂર છે. નવા મશીનો અને વિસ્તરણનો કાર્યક્રમ કદાચ મોટુ જોખમ બની શકે છે. વિચાર તમારે કરવાનો છે.